અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ થયેલી એર ઈન્ડિયા AI-171 પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ ભયાનક અકસ્માતમાં 260 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલ તેમજ મેસ બિલ્ડિંગને ભારે નુકસાન પહોંચ્યું હતું. એક વર્ષ બાદ પણ દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ પૂર્ણ થઈ નથી અને તપાસ એજન્સીઓ દ્વારા સ્થળને હજુ પણ કોર્ડન કરીને રાખવામાં આવ્યું છે.
જોકે, રાજ્ય સરકાર હવે આ સ્થળના ભવિષ્ય માટે નવી યોજના પર કામ કરી રહી છે. પીડિત પરિવારો દ્વારા ક્રેશ સાઇટને મેમોરિયલ અથવા સ્મારક તરીકે વિકસાવવાની માંગણી કરવામાં આવી હતી, પરંતુ સરકાર દ્વારા આ માંગણી સ્વીકારવામાં આવી નથી. તેના બદલે આ જગ્યાએ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા નવા વિકાસ પ્રોજેક્ટ હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ક્રેશ સાઇટ પર બનશે નવા હોસ્ટેલ અને મેસ બિલ્ડિંગ
રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાના જણાવ્યા મુજબ, પ્લેન ક્રેશથી અસરગ્રસ્ત વિસ્તારનો ઉપયોગ ભવિષ્યમાં રેસિડેન્ટ ડોક્ટરો અને સુપર સ્પેશ્યાલિટી રેસિડેન્ટ્સ માટે અદ્યતન હોસ્ટેલ બિલ્ડિંગો બનાવવા માટે કરવામાં આવશે.
યોજનાના ભાગરૂપે ચાર નવા હોસ્ટેલ બ્લોક્સનું નિર્માણ કરવામાં આવશે. ઉપરાંત MBBS, UG અને PG વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધાઓથી સજ્જ નવી મેસ અને કેન્ટિન બિલ્ડિંગ પણ ઉભી કરવામાં આવશે. સરકારનું માનવું છે કે આ પ્રોજેક્ટ દ્વારા આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે.
સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ અને રિહેબિલિટેશન સેન્ટરનું આયોજન
સરકારની યોજનામાં સિવિલ કેમ્પસની હાલની સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટને પણ આ સ્થળે ખસેડવાનો સમાવેશ થાય છે. નવી સ્પાઇન હોસ્પિટલ અદ્યતન તબીબી સાધનો અને આધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવશે.
આ ઉપરાંત ન્યુરો રિહેબિલિટેશન, સ્પોર્ટ્સ રિહેબિલિટેશન અને અન્ય વિશિષ્ટ સારવાર માટે અલગ રિહેબિલિટેશન સેન્ટર બનાવવાનું પણ આયોજન છે. આરોગ્યમંત્રીના જણાવ્યા મુજબ, ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને વિશ્વસ્તરીય સારવાર મળી રહે તે જ મૃતકોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ ગણાશે.
તપાસ પૂર્ણ થયા બાદ જ શરૂ થશે બાંધકામ
હાલમાં પ્લેન ક્રેશની તપાસ હજુ પૂર્ણ થઈ નથી. તેથી સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને રાખવામાં આવ્યો છે અને તપાસ એજન્સીઓ તરફથી હજુ સુધી વપરાશ માટેનું NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) આપવામાં આવ્યું નથી.
સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ અને સત્તાવાર મંજૂરી મળ્યા પછી જ નવા બાંધકામ અને વિકાસ કાર્યો શરૂ કરવામાં આવશે.
260 મૃતકોની યાદમાં 260 વૃક્ષોનું વાવેતર
વિમાન દુર્ઘટનાની પ્રથમ વરસી નિમિત્તે B.J. મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા ખાસ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમ અંતર્ગત 260 મૃતકોની સ્મૃતિમાં 260 વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. જેમાં 60 વૃક્ષો કોલેજ બિલ્ડિંગની સામેના ગાર્ડન વિસ્તારમાં, 100 વૃક્ષો UG બોયઝ હોસ્ટેલના કેમ્પસમાં અને 100 વૃક્ષો પોસ્ટમોર્ટમ રૂમ નજીકના ખાલી પ્લોટમાં રોપવામાં આવશે.
સવારે પ્રાર્થના સભા, ત્યારબાદ બ્લડ ડોનેશન કેમ્પ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા MBBSના ચાર વિદ્યાર્થીઓના પરિવારજનો પણ આ કાર્યક્રમમાં ઓનલાઈન જોડાશે.
હજુ પણ સંઘર્ષ કરી રહ્યા છે ઘાયલ વિદ્યાર્થીઓ
આ દુર્ઘટનામાં બી.જે. મેડિકલ કોલેજના UG અને PGના આશરે 27 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. મેસ બિલ્ડિંગ પર વિમાન તૂટી પડતાં અનેક વિદ્યાર્થીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.
કેટલાક વિદ્યાર્થીઓ હજુ પણ તેની અસર ભોગવી રહ્યા છે. ચારથી પાંચ વિદ્યાર્થીઓને હાથમાં ગંભીર ઈજાઓ થતાં પરીક્ષા લખવામાં મુશ્કેલી પડી હતી, જેના કારણે યુનિવર્સિટીની મંજૂરીથી તેમને રાઇટર આપવામાં આવ્યા હતા. હજુ પણ એક વિદ્યાર્થીની અંતિમ પરીક્ષા બાકી હોવાથી તેને રાઇટરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
એક વર્ષ બાદ પણ આ દુર્ઘટનાની યાદો જીવંત છે અને પીડિત પરિવારો તેમજ બચી ગયેલા વિદ્યાર્થીઓ માટે આ દિવસ આજે પણ દુઃખદ સ્મૃતિઓ લઈને આવે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel