ગુજરાતના આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રાજકીય ચિત્ર બદલાઈ ગયું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના ગઢ તરીકે ઓળખાતા આણંદમાં જ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લેતા પક્ષની રણનીતિ પર સવાલો ઊભા થયા છે.
મળતી માહિતી મુજબ, કુલ 39 જેટલા કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણી પહેલા જ મેદાન છોડતા ભાજપના ઉમેદવારોને સીધી જીતનો રસ્તો સરળ બની ગયો છે.
ભાજપે ખોલ્યું જીતનું ખાતું
કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાતા અનેક બેઠકો પર ભાજપ ના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આણંદ જિલ્લામાં ચૂંટણી પહેલા જ ભાજપે જીતનું ખાતું ખોલી દીધું છે, જે કોંગ્રેસ માટે મોટો રાજકીય ઝટકો માનવામાં આવે છે.
મોટા નેતાઓના ગઢમાં નબળું પ્રદર્શન
આ પરિસ્થિતિએ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અમિત ચાવડા અને ભરત સિંહ સોલંકી બંનેના રાજકીય પ્રભાવ પર સવાલો ઊભા કર્યા છે. પોતાના જ ગઢમાં ઉમેદવારોને જાળવી રાખવામાં નિષ્ફળતા કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બની છે.
ઉમેદવારોની પસંદગી પર સવાલ
રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી યોગ્ય રીતે ન થતાં આ પરિસ્થિતિ ઊભી થઈ છે. ઘણા ઉમેદવારો ચૂંટણી પહેલાં જ મેદાન છોડતા પક્ષની આંતરિક ગોઠવણ અને રણનીતિ પર સવાલો ઊઠી રહ્યા છે.
કોંગ્રેસના આક્ષેપ
આ તરફ કોંગ્રેસે આ સમગ્ર મામલે ગંભીર આક્ષેપો કર્યા છે. પક્ષના જણાવ્યા મુજબ, તેમના ઉમેદવારો પર પોલીસ દ્વારા દબાણ અને ધાકધમકી સર્જવામાં આવી હતી, જેના કારણે ઘણા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી.
ક્યાં બેઠકો પર અસર?
મળતી વિગતો અનુસાર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અનેક બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો બેસી જતાં ભાજપને સીધી જીત મળી છે.
- ઉમરેઠ તાલુકાની વણસોલ બેઠક પર ભાજપ વિજેતા
- જિલ્લા પંચાયતની ચિખોદરા બેઠક ભાજપને બિનહરીફ મળી
આ રીતે અનેક બેઠકો પર કોંગ્રેસ લડાઈ પહેલા જ બહાર થઈ ગઈ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel