નડિયાદ સ્થિત સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજે શનિવારે પોષી પૂનમના પાવન પર્વ નિમિત્તે ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ રચાયો હતો. રાજ્યભરમાંથી ઉમટી પડેલા હજારો શ્રદ્ધાળુઓએ મંદિરના ચોકમાં ‘જય મહારાજ’ના ગગનભેદી નાદ સાથે બોરની ઉછામણી કરીને ધન્યતા અનુભવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ સંતરામ મંદિરમાં પોષી પૂનમનો દિવસ વર્ષનો સૌથી મોટો અને પવિત્ર દિવસ ગણાય છે. સવારથી જ મંદિર પરિસરમાં ઉત્સવનો માહોલ જામ્યો હતો. મંદિરના મુખ્ય પ્રવેશદ્વારથી લઈને ગર્ભગૃહ સુધી શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ વહેતો રહ્યો. સમગ્ર વાતાવરણ સંતરામ મહારાજના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. બાળક બોલતુ ન હોય અથવા તો તોતડાપણું બોલતું હોય તો માતાપિતા દિવ્ય જ્યોતના દર્શનની માનતા રાખે છે અને મંદિરના ચોકમાં ઉભા રહીને આ દિવસે હવામાં બોર ઉછાળવામાં આવે છે, જેને ઝીલવા માટે પણ ભક્તોમાં હોડ જામતી હોય છે. આ પરંપરા સદીઓથી અવિરત ચાલી આવે છે અને તેને શ્રદ્ધાના પ્રતીક સમાન માનવામાં આવે છે. માત્ર નડિયાદ જ નહીં, પરંતુ અમદાવાદ, વડોદરા અને સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાંથી પણ લોકો અહીંયા ઉમટી પડ્યા છે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel