રાષ્ટ્રીય બાલિકા દિવસના અવસરે 24 જાન્યુઆરી 2026એ ગુજરાત સરકારે દીકરીઓના સર્વાંગીણ વિકાસ માટે મહત્વપૂર્ણ પહેલ કરીને દેશના શિક્ષણ અને સમાજસેવામાં નવી દિશા નક્કી કરી છે. રાજ્ય દેશનો પહેલો રાજ્ય બની ગયું છે, જ્યાં ‘બાલિકા પંચાયત મોડેલ’ સફળતાપૂર્વક અમલી બનાવવામાં આવ્યું અને આ પહેલને સમગ્ર રાજ્યની 13,000થી વધુ ગ્રામ પંચાયતોમાં ફેલાવવામાં આવી છે. આ મોડેલનો મુખ્ય ઉદ્દેશ નાની ઉંમરથી જ દીકરીઓને લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો, નિર્ણય લેવાની ક્ષમતા અને સમાજસેવામાં કાર્ય કરવાની વાસ્તવિક અનુભૂતિ આપવી છે, જેથી તેઓ ભવિષ્યમાં પંચાયત સ્તરથી લઈને પાર્લામેન્ટ સુધીના નેતૃત્વના ભૂમિકામાં સામેલ થઈ શકે.
આ પહેલની શરૂઆત પાયલોટ પ્રોજેક્ટ તરીકે કચ્છ જિલ્લામાં કરવામાં આવી હતી, જ્યાં 2022માં કુનારિયા, મસ્કા, મોટાગુઆ અને વડસર ગામોમાં બાલિકા પંચાયતોની રચના થઈ. પ્રારંભિક તબક્કામાં 11થી 21 વર્ષની ઉંમરની કિશોરીઓને સરપંચ, ઉપસરપંચ અને સભ્યો તરીકે ચૂંટવામાં આવી, જેથી તેમને લોકશાહી પ્રક્રિયાનો અનુભવ મળે અને સામાજિક મુદ્દાઓ પર તેમની ભાગીદારી વધે. આ સફળતાને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ પહેલને સમગ્ર રાજ્યમાં વિસ્તારી, જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અને યુનિસેફના સહયોગથી આ પ્રોજેક્ટને વધુ વ્યવસ્થિત અને અસરકારક બનાવવામાં આવ્યો. ખાસ કરીને યુનિસેફ દ્વારા તૈયાર કરાયેલું ‘બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલ’ આ પહેલનો આધારસ્તંભ છે.
તા. 24 જાન્યુઆરી, ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’; ગુજરાતે દેશમાં પ્રથમવાર ‘બાલિકા પંચાયત’ મોડેલ જેવી નવતર પહેલ અમલી બનાવી…
🔹 બાલિકાઓમાં નેતૃત્વના ગુણો વિકસાવવા અને લોકશાહીની પ્રક્રિયાથી માહિતગાર કરવા રાજ્યની 13 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ‘બાલિકા પંચાયત’ની રચના
🔹 દીકરીઓને લોકશાહીના…
— Gujarat Information (@InfoGujarat) January 23, 2026
મોડેલને વધુ અસરકારક બનાવવા માટે તાલીમ બે તબક્કામાં આપવામાં આવે છે. પ્રથમ તબક્કામાં મહિલા અને બાળ વિકાસ વિભાગના કર્મચારીઓને ‘Training of Trainers’ (ToT) અપાય છે. બીજા તબક્કામાં 1,900થી વધુ માસ્ટર ટ્રેનર્સને તૈયાર કરીને તેઓ દ્વારા દરેક ગામની કિશોરીઓને તાલીમ આપવામાં આવે છે. તાલીમમાં કિશોરાવસ્થાના શારીરિક-માનસિક ફેરફારો, બાળ સુરક્ષા અને સંરક્ષણ કાયદાઓ, જેન્ડર આધારિત ભેદભાવ, પંચાયતી રાજ વ્યવસ્થા, નેતૃત્વ વિકાસ અને નિર્ણય લેવાની ક્ષમતા પર ખાસ ભાર મુકવામાં આવે છે.
બાલિકા પંચાયતની પ્રવૃત્તિઓ માત્ર બેઠક અને તાલીમ સુધી મર્યાદિત નથી. આ કિશોરીઓ વાસ્તવિક પ્રવૃત્તિઓ પણ કરશે, જેમ કે ગામમાં જાગૃતિ અભિયાન ચલાવવું, બાળ લગ્ન રોકવા માટે પ્રચાર કરવો, સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ અને શાળા ડ્રોપઆઉટ ઘટાડવા માટેના પ્રયત્નો. આ પ્રવૃત્તિઓ દ્વારા કિશોરીઓમાં આત્મવિશ્વાસ, ટીમવર્ક અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસાવવામાં આવે છે.
2026ની શરૂઆતમાં રાષ્ટ્રીય બાલિકા દિવસના અવસરે રાજ્ય સરકાર દ્વારા આ પહેલને સમગ્ર રાજ્યમાં 13,000થી વધુ ગ્રામ પંચાયતોમાં અમલી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રસંગે ગુજરાતને દેશના પ્રથમ રાજ્ય તરીકે ઓળખ આપવામાં આવી છે, જેણે બાલિકા પંચાયત મોડેલને મોટા પાયે અમલમાં મૂક્યો છે. પાયલોટ પ્રોજેક્ટથી શરૂ થયેલી આ પહેલ હવે સમગ્ર રાજ્યમાં ફેલાઈને દીકરીઓને સશક્ત, સમર્પિત અને નેતૃત્વક્ષમ નાગરિક બનાવવાનું મિશન સફળતાપૂર્વક આગળ વધી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel