મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલા ભોજશાળા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ આદેશ પસાર કર્યો છે, જેમાં બંને પક્ષોને એક જ પરિસરમાં ધાર્મિક ક્રિયાઓ કરવાની પરવાનગી આપવામાં આવી છે. કોર્ટના આદેશ મુજબ 23 જાન્યુઆરીના રોજ વસંત પંચમીના દિવસે હિંદુ પક્ષ દિવસ દરમિયાન પૂજા કરી શકશે, જ્યારે એ જ દિવસે શુક્રવાર હોવાના કારણે મુસ્લિમ પક્ષને પણ બપોરે જુમ્માની નમાજ અદા કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ રીતે સુપ્રીમ કોર્ટે સંતુલન સાધતા બંને સમુદાયોને પરિસરમાં જ તેમની ધાર્મિક આસ્થા મુજબ ક્રિયા કરવાની છૂટ આપી છે.
ભોજશાળા હાલ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા સંરક્ષિત સ્મારક તરીકે ઓળખાય છે. હિંદુ પક્ષે કોર્ટમાં અરજી દાખલ કરીને અહીં માતા સરસ્વતીનું પ્રાચીન મંદિર હોવાનો દાવો કર્યો છે, જ્યારે મુસ્લિમ પક્ષ વર્ષોથી અહીં કમાલ મૌલા મસ્જિદ હોવાનો દાવો કરતો આવ્યો છે. વર્ષ 2003માં થયેલા કરાર મુજબ ભોજશાળામાં મંગળવારે હિંદુઓને પૂજા કરવાની અને શુક્રવારે મુસ્લિમોને નમાજ પઢવાની પરંપરા ચાલી આવી છે.
23 જાન્યુઆરીએ વસંત પંચમીના પાવન તહેવારને ધ્યાનમાં રાખીને હિંદુ પક્ષે દિવસ દરમિયાન વિશેષ પૂજા અને હવન કરવાની પરવાનગી માગી હતી. આ દરમિયાન હિંદુ પક્ષ તરફથી વકીલ વિષ્ણુશંકર જૈને કોર્ટમાં જણાવ્યું હતું કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પૂજા અને હવન યોજવાની યોજના છે. બીજી તરફ, મુસ્લિમ પક્ષ તરફથી હાજર રહેલા વકીલ અને કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે રજૂઆત કરી હતી કે શુક્રવારની જુમ્માની નમાજ બપોરે 1થી 3 વાગ્યા દરમિયાન અદા કરવામાં આવે છે. હિંદુ પક્ષે મુસ્લિમોને સાંજે 5 વાગ્યા બાદ નમાજ પઢવા માટે સૂચન કર્યું હતું, પરંતુ આ મુદ્દે સલમાન ખુર્શીદે વાંધો ઉઠાવ્યો હતો.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે બંનેને મંજૂરી આપી અને સ્પષ્ટ આદેશ કર્યો કે બપોરે 1થી 3 વાગ્યા દરમિયાન જુમ્માની નમાજ માટે મુસ્લિમોને પરિસરમાં જ અલગ જગ્યા ફાળવવામાં આવે. તે જ રીતે, વસંત પંચમીના દિવસે હિંદુઓને પૂજા માટે અલગ સ્થળ આપવામાં આવશે. સાથે જ કોર્ટએ નિર્દેશ આપ્યો છે કે નમાજ માટે કેટલા લોકો હાજર રહેશે તેની માહિતી અગાઉથી જિલ્લા પ્રશાસનને આપવામાં આવે, જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુચારુ રીતે જળવાઈ રહે. મુલાકાતીઓ માટે પાસની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે બંને પક્ષો તેમજ રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસનને આદેશનું સંપૂર્ણ પાલન કરવા અને પરસ્પર સહકાર સાથે શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમો યોજવા માટે સ્પષ્ટ સૂચના આપી છે. આદેશને પગલે ભોજશાળા પરિસરમાં અને આસપાસ સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દેવામાં આવી છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સેંકડો પોલીસ અને સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel