12 જૂન, 2025… આ તારીખ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના ઇતિહાસમાં એક કરુણ અને હૃદયદ્રાવક દિવસ તરીકે નોંધાઈ ગઈ છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન જવા માટે ઉડાન ભરનાર એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 ટેક ઓફ કર્યા બાદ માત્ર 32થી 35 સેકન્ડમાં જ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. આ ભયાનક વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત કુલ 260 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
આ દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. એક વર્ષ બાદ પણ પીડિત પરિવારો માટે આ ઘા હજુ તાજા છે અને ઘણા સવાલોના જવાબોની રાહ આજે પણ જોવાઈ રહી છે.
ટેક ઓફના સેકન્ડોમાં સર્જાઈ હતી મહાદુર્ઘટના
12 જૂન, 2025ના રોજ એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 અમદાવાદથી લંડન માટે રવાના થઈ હતી. વિમાનમાં 230થી વધુ મુસાફરો અને ક્રૂ સભ્યો સવાર હતા. ટેક ઓફ બાદ થોડા જ સેકન્ડોમાં વિમાનનું નિયંત્રણ ગુમાવાયું અને તે મેડિકલ કોલેજ વિસ્તાર તથા અતુલ્યમ બિલ્ડિંગ નજીક તૂટી પડ્યું હતું.
વિમાન જમીન સાથે અથડાતાં જ ભયાનક આગ ફાટી નીકળી હતી. અકસ્માતની તીવ્રતા એટલી ભયંકર હતી કે આસપાસના વિસ્તારોમાં પણ ભારે નુકસાન થયું હતું.
એક વર્ષ બાદ પણ કાટમાળની સાક્ષી આપતી ઇમારતો
દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ ક્રેશ સાઇટના દૃશ્યો હજુ પણ એ ભયાનક દિવસની યાદ અપાવે છે. અકસ્માતમાં મેડિકલ હોસ્ટેલની ત્રણ ઇમારતો અને મેસ બિલ્ડિંગને ભારે નુકસાન થયું હતું.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કેટલીક ઇમારતો આજે પણ જર્જરિત હાલતમાં ઊભી છે અને દુર્ઘટનાની સાક્ષી આપી રહી છે. પીડિત પરિવારોને વળતર અને સહાય અંગે અનેક જાહેરાતો કરવામાં આવી હતી, પરંતુ ઘણા પરિવારો હજુ પણ સંપૂર્ણ ન્યાય અને અંતિમ તપાસ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.
તપાસની પ્રક્રિયા પર ઉઠ્યા નવા સવાલો
દુર્ઘટનાની પ્રથમ વરસી નિમિત્તે હવે ફરી તપાસની પ્રક્રિયા ચર્ચાના કેન્દ્રમાં આવી છે. ફેડરેશન ઓફ પાઈલોટ એસોસિએશનના પ્રમુખ સી.એસ. રંધાવાએ મીડિયા સમક્ષ તપાસની પારદર્શિતા અને નિષ્પક્ષતા અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે.
તેમણે જણાવ્યું કે વિમાન, તેની કમ્પ્યુટર સિસ્ટમ અને એન્જિન બનાવનારી ત્રણેય કંપનીઓ અમેરિકાની હતી. તેમ છતાં પ્રાથમિક તપાસમાં જ આ કંપનીઓને ક્લીનચીટ આપવામાં આવી હોવાના આરોપો સામે આવ્યા છે. તેમના મતે તપાસમાં તમામ તકનીકી પાસાઓની સ્વતંત્ર અને પારદર્શક સમીક્ષા થવી જોઈએ.
ફ્યુઅલ કન્ટ્રોલ સ્વીચને લઈને ચર્ચા
DGCAના પ્રાથમિક તારણો અનુસાર દુર્ઘટનામાં ફ્યુઅલ કન્ટ્રોલ સ્વીચમાં ખામી એક મહત્વપૂર્ણ કારણ તરીકે સામે આવી હતી. જોકે, આ મુદ્દે હજુ પણ અનેક ટેકનિકલ પ્રશ્નો બાકી હોવાનું પાઈલોટ સંગઠનનું કહેવું છે.
આ મામલે સંપૂર્ણ સત્ય બહાર લાવવા માટે પાયલોટ એસોસિએશને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરી છે. ખાસ વાત એ છે કે આ અરજીમાં મૃતક પાયલોટના પિતાને સહ-અરજદાર બનાવવામાં આવ્યા છે. અરજી બાદ સમગ્ર કેસ ફરી ચર્ચામાં આવ્યો છે.
પીડિત પરિવારો આજે પણ રાહમાં
એક વર્ષ વીતી ગયું હોવા છતાં પીડિત પરિવારો માટે દુઃખ અને અનિશ્ચિતતા હજુ સમાપ્ત થઈ નથી. પરિવારજનોનું કહેવું છે કે તેમને માત્ર વળતર નહીં પરંતુ દુર્ઘટનાના સાચા કારણોની જાણ અને જવાબદારો સામે કાર્યવાહી જોઈએ.
વિમાન દુર્ઘટનાની પ્રથમ વરસી પર સમગ્ર ગુજરાત અને દેશભરમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. સાથે જ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓને ન્યાય મળે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને તે માટે પારદર્શક તપાસની માંગ ફરી ઉઠી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel