પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસમાં સર્જાયેલા રાજકીય ભંગાણ બાદ હવે મહારાષ્ટ્રની રાજનીતિમાં પણ મોટા રાજકીય ફેરફારની અટકળો જોર પકડી રહી છે. શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે) એટલે કે UBT જૂથના અનેક ધારાસભ્યો અને સાંસદો એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનામાં જોડાય તેવી ચર્ચાએ રાજકીય માહોલ ગરમાવી દીધો છે.
રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચાઓ મુજબ આગામી એક સપ્તાહ દરમિયાન UBTના કેટલાક ધારાસભ્યો અને સાંસદો પક્ષ છોડીને શિંદે જૂથમાં સામેલ થઈ શકે છે. આ સંભવિત રાજકીય ઘટનાક્રમને મીડિયા અને રાજકીય વિશ્લેષકો દ્વારા ‘ઓપરેશન ટાઈગર’ નામ આપવામાં આવ્યું છે.
14થી 16 ધારાસભ્યો અને 6 સાંસદો અંગે ચર્ચા
રાજકીય સૂત્રોના હવાલાથી એવી ચર્ચાઓ ચાલી રહી છે કે શિવસેના (UBT)ના 14થી 16 ધારાસભ્યો અને અંદાજે 6 જેટલા સાંસદો પક્ષ છોડવાની તૈયારીમાં છે.
આટલી મોટી સંખ્યામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પક્ષ બદલશે તો દળબદલ વિરોધી કાયદાની અસરથી બચવા માટે જરૂરી બે તૃતિયાંશ સંખ્યા પૂર્ણ થઈ શકે છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
#WATCH | Nagpur, Maharashtra | Shiv Sena MLC Krupal Tumane says, "Our discussion with the seven MPs (of Shiv Sena UBT) under 'Operation Tiger' has reached its final stage. Just like when we go to a hospital for an operation, an investigation is conducted first, and reports are… pic.twitter.com/QPNNA6U9JC
— ANI (@ANI) June 16, 2026
ઉદ્ધવ ઠાકરેએ ‘માતોશ્રી’ ખાતે બોલાવી બેઠક
આ અટકળોની વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ પોતાના નિવાસસ્થાન ‘માતોશ્રી’ ખાતે તમામ લોકસભા સાંસદોની મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ રાજકીય ચર્ચાઓને વધુ વેગ મળ્યો હતો.
અહેવાલો મુજબ ઉદ્ધવ ઠાકરેએ બેઠક દરમિયાન નેતાઓને સંદેશ આપ્યો હતો કે જો કોઈ પક્ષ છોડવા ઇચ્છે તો તે સ્વતંત્રપણે નિર્ણય લઈ શકે છે અને પાર્ટી કોઈને બળજબરીથી રોકશે નહીં. તેમણે 2022માં એકનાથ શિંદેના બળવા દરમિયાન સર્જાયેલી પરિસ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો હતો, જ્યારે શિવસેનાના 40થી વધુ ધારાસભ્યો પક્ષ છોડીને અલગ થયા હતા.
‘વિચારધારા સાથે રહેનારાઓ અંતે સફળ થશે’ : ઉદ્ધવ ઠાકરે
બેઠક દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે શિવસેનાની મૂળ વિચારધારા સાથે જોડાયેલા કાર્યકરો અને નેતાઓ અંતે સફળ થશે.
તેમણે કહ્યું કે રાજકીય પરિસ્થિતિઓ સમયાંતરે બદલાતી રહે છે, પરંતુ પાર્ટીના મૂળ સિદ્ધાંતો અને બાલાસાહેબ ઠાકરેની વિચારધારામાં વિશ્વાસ રાખનારાઓ માટે ભવિષ્ય ઉજ્જવળ રહેશે.
સંજય રાઉતે તૂટફૂટના દાવા ફગાવ્યા
બીજી તરફ શિવસેના (UBT)ના પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે પક્ષમાં કોઈ ભંગાણ થવાની શક્યતા નકારી કાઢી છે.
રાઉતે સ્પષ્ટ જણાવ્યું કે પાર્ટીના તમામ 9 સાંસદો એકજૂટ છે અને ઉદ્ધવ ઠાકરેએ કોઈને પક્ષ છોડવા માટે ખુલ્લી છૂટ આપી નથી. તેમના મતે તૂટફૂટ અને બળવાના દાવાઓ માત્ર રાજકીય અફવાઓ છે.
શિંદે જૂથના નેતાઓના નિવેદનથી ચર્ચા વધુ તેજ
શિવસેનાના MLC કૃપાલ તુમાણેએ દાવો કર્યો છે કે UBTના કેટલાક સાંસદો શિવસેનાના સંપર્કમાં છે અને સંસદના ચોમાસું સત્ર પહેલાં મહત્વપૂર્ણ રાજકીય વિકાસ જોવા મળી શકે છે.
મંત્રી પ્રતાપ સરનાઈકે પણ જણાવ્યું હતું કે અનેક નેતાઓ અને કાર્યકરો સ્વેચ્છાએ શિવસેનામાં જોડાવા માંગે છે કારણ કે તેમને અન્ય પક્ષોમાં યોગ્ય સ્થાન મળતું નથી.
શિંદે જૂથે ‘ઓપરેશન ટાઈગર’ નકારી કાઢ્યું
જોકે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાએ સત્તાવાર રીતે ‘ઓપરેશન ટાઈગર’ના દાવાઓ ફગાવી દીધા છે. શિવસેના નેતા શાઇના એન.સી.એ જણાવ્યું કે પાર્ટીને કોઈ પક્ષ તોડવામાં રસ નથી. તેમણે કહ્યું કે એકનાથ શિંદેની કાર્યશૈલી અને લોકપ્રિયતાના કારણે લોકો સ્વેચ્છાએ શિવસેનામાં જોડાવા માંગે છે.
તેમણે ઉમેર્યું કે મહારાષ્ટ્રમાં કોઈ ‘ઓપરેશન ટાઈગર’ નથી ચાલી રહ્યું, પરંતુ ‘ઓપરેશન પ્રોગ્રેસ’ ચાલી રહ્યું છે, જેમાં વિકાસ અને જનહિતના મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રની રાજનીતિમાં આગામી દિવસો રહેશે નિર્ણાયક
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક વર્ષોમાં શિવસેનાના વિભાજન અને ગઠબંધન રાજકારણના કારણે અનેક રાજકીય ફેરફારો જોવા મળ્યા છે. આવી સ્થિતિમાં UBTમાંથી સંભવિત પક્ષપલટાની અટકળો રાજ્યની રાજનીતિ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
હાલ તમામ પક્ષો પોતાની-પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી રહ્યા છે, પરંતુ આગામી દિવસોમાં શું રાજકીય સમીકરણો બદલાશે કે નહીં તે પર સમગ્ર મહારાષ્ટ્રની નજર ટકેલી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel