જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતાં રાજકીય માહોલ ગરમાયો છે. શહેરનો સૌથી સંવેદનશીલ ગણાતો વોર્ડ નંબર-12 ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. કાલાવડ નાકા વિસ્તારમાં પટણી જમાતના હોદ્દેદારોના ફોટા સાથે ‘કોંગ્રેસનો બહિષ્કાર’ દર્શાવતા બેનરો લગાવવામાં આવતા રાજકીય હલચલ તેજ બની છે.
બહિષ્કારના બેનરો બાદ બદલાતું રાજકીય સમીકરણ
વર્ષ 2021માં આ વોર્ડમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પેનલ વિજેતા બની હતી, પરંતુ આંતરિક વિખવાદ અને ગેરશિસ્તના કારણે હાલ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.
કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયેલા અસલમ ખીલજી અને ફેબીદાબેન જુણેજા તેમજ રાજીનામું આપનાર જૈનબબેન ખફી આમ આદમી પાર્ટી માં જોડાતા હવે આ વોર્ડમાં ત્રિપાંખિયો મુકાબલો સર્જાયો છે. પટણી જમાત દ્વારા કોંગ્રેસના ખુલ્લા વિરોધથી પક્ષ માટે પડકારો વધી શકે છે.
અલ્તાફ ખફીની બાદબાકી પર સસ્પેન્સ
કોંગ્રેસે આ વોર્ડ માટે ત્રણ નામોની પેનલ જાહેર કરી છે, પરંતુ તેમાં પૂર્વ કોર્પોરેટર અલ્તાફ ખફીનું નામ ન હોવાથી અનેક પ્રશ્નો ઉભા થયા છે.
અલ્તાફ ખફી જેલમાંથી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ હતી, પરંતુ કોર્ટ દ્વારા જામીન ફગાવાતા અને પાર્ટી દ્વારા ટિકિટ ન મળતા તેમની બાદબાકી થયાનું માનવામાં આવી રહ્યું છે.
હિંસા અને ગુનાહિત ઈતિહાસથી વોર્ડ સંવેદનશીલ
વોર્ડ-12 લાંબા સમયથી સંવેદનશીલ માનવામાં આવે છે. અસલમ ખીલજી સાથે જોડાયેલા ગેંગ પર હત્યાના પ્રયાસ, ખંડણી, લેન્ડ ગ્રેબિંગ અને આર્મ્સ એક્ટ હેઠળ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું કહેવાય છે.
વિસ્તારમાં મારામારી અને ફાયરિંગ જેવી ઘટનાઓ બાદ ગંભીર કાયદાકીય કેસો નોંધાતા સામાન્ય નાગરિકો અને શિક્ષિત ઉમેદવારો ચૂંટણી લડતા અચકાશે છે.
BJP અને AAP માટે પડકાર અને તક
આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી માટે યોગ્ય ઉમેદવાર શોધવો મુશ્કેલ બની રહ્યો છે, જ્યારે આમ આદમી પાર્ટી ખીલજી અને ખફી પરિવારના આધાર પર મજબૂત દાવેદારી નોંધાવી રહી છે.
વોર્ડ-12 હવે જામનગર ચૂંટણીમાં સૌથી વધુ ધ્યાન ખેંચતો હોટસ્પોટ બની ગયો છે.
જામનગરના વોર્ડ-12માં ઉભી થયેલી પરિસ્થિતિ દર્શાવે છે કે સ્થાનિક સ્તરે આંતરિક વિખવાદ, સામાજિક સમીકરણો અને ગુનાહિત પરિબળો ચૂંટણીના પરિણામોને અસર કરી શકે છે. આગામી દિવસોમાં આ વોર્ડમાં રાજકીય ઘમાસાણ વધુ તેજ થવાની શક્યતા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel