ભારતમાં ઈઝરાયલના દૂતાવાસે નવી પ્રવક્તા તરીકે મિશેલ સિરોટાની નિમણૂક કરી છે. નવી જવાબદારી સંભાળતાની સાથે જ તેમણે ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો પોતાનો સન્માન અનોખી રીતે વ્યક્ત કર્યો છે. ભારત સ્થિત ઈઝરાયલી દૂતાવાસ દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોમાં મિશેલ સિરોટા ભારતીય પરંપરાગત સાડી પહેરેલી જોવા મળે છે અને તેઓ હિન્દીમાં ભારતીયોને સંબોધિત કરતાં જોવા મળે છે.
ગુરુવારે ઈઝરાયલના દૂતાવાસે સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોમાં મિશેલ સિરોટાએ સૌપ્રથમ ‘નમસ્તે’ કહીને ભારતીયોને અભિવાદન કર્યું. ત્યારબાદ તેમણે હિન્દીમાં પોતાનો પરિચય આપતાં કહ્યું, “નમસ્તે, હું ભારતમાં ઈઝરાયલની નવી પ્રવક્તા છું. હું ભારત આવીને ખૂબ ખુશ છું. નવો દેશ, નવી જવાબદારી…” તેમના આ અંદાજે સોશિયલ મીડિયા પર લોકોનું ખાસ ધ્યાન ખેંચ્યું છે.
મિશેલ સિરોટાએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પણ આ વીડિયો શેર કર્યો હતો. તેમણે પોસ્ટમાં લખ્યું કે, “નવો દેશ, નવી જવાબદારી અને મારા પ્રથમ શબ્દો હિન્દીમાં. ભારતમાં ઈઝરાયલના દૂતાવાસની પ્રવક્તા તરીકે મારા જીવનના આ નવા અધ્યાયની શરૂઆત કરવા માટે હું ખૂબ ઉત્સાહિત છું. અહીં શીખવા, ભારતને નજીકથી જાણવા અને નવા સંબંધો બનાવવા આતુર છું.”
Meet the new spokesperson of israel to India 🇮🇳
वह भारत आ कर बहुत खुश है। pic.twitter.com/nLPspCh5At
— Israel in India (@IsraelinIndia) July 30, 2026
ભારતીય પહેરવેશ અને હિન્દી ભાષાએ જીતી લોકોની પ્રશંસા
મિશેલ સિરોટાએ સાડી પહેરીને અને હિન્દીમાં સંદેશ આપતા સોશિયલ મીડિયા પર અનેક લોકોની પ્રશંસા મેળવી છે. અનેક યુઝર્સે તેમના આ પ્રયાસને ભારત અને ઈઝરાયલ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોનું સુંદર પ્રતીક ગણાવ્યું છે. ઘણા લોકોએ લખ્યું કે કોઈ વિદેશી રાજદૂત ભારતીય સંસ્કૃતિને આ રીતે અપનાવે તે બંને દેશો વચ્ચેના મિત્રતાભર્યા સંબંધોને વધુ મજબૂત બનાવે છે.
ભારત સાથે પહેલાથી જ રહ્યો છે જોડાણ
મિશેલ સિરોટા માટે ભારત કોઈ સંપૂર્ણપણે નવો દેશ નથી. તેઓ અગાઉ પણ ભારતીય મુદ્દાઓ અને ભારત-ઈઝરાયલ સંબંધો સાથે જોડાયેલા રહી ચૂક્યા છે. ઈઝરાયલના રાજદ્વારી અધિકારી તરીકે તેમણે ભારત સંબંધિત વિવિધ પહેલોમાં ભાગ લીધો હતો અને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોમાં સક્રિય રહ્યા હતા.
કોણ છે મિશેલ સિરોટા?
મિશેલ સિરોટા ઈઝરાયલના વિદેશ મંત્રાલય સાથે જોડાયેલા અનુભવી રાજદ્વારી અધિકારી છે. તેઓ અગાઉ ઈઝરાયલના પબ્લિક ડિપ્લોમસી વિભાગમાં કાર્યરત રહ્યા હતા, જ્યાં તેઓ ઈઝરાયલની વિદેશ નીતિ, આંતરરાષ્ટ્રીય છબી અને જનસંપર્ક સંબંધિત કામગીરી સંભાળતા હતા.
તેમની લિંકડઇન પ્રોફાઇલ મુજબ તેમણે હીબ્રૂ યુનિવર્સિટી ઑફ જરુસલેમમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે. હવે ભારત સ્થિત ઈઝરાયલી દૂતાવાસની પ્રવક્તા તરીકે તેમની મુખ્ય જવાબદારી ભારત અને ઈઝરાયલ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો, કૂટનીતિક સહયોગ, દૂતાવાસની વિવિધ પ્રવૃત્તિઓ અને સત્તાવાર માહિતી મીડિયા તથા જનતા સુધી પહોંચાડવાની રહેશે.
ભારતમાં પોતાની નવી ઇનિંગ્સની શરૂઆત મિશેલ સિરોટાએ ભારતીય સંસ્કૃતિને માન આપતા અને હિન્દીમાં સંદેશ આપતા કરી છે, જેને સોશિયલ મીડિયા પર સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel