સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ડુંગરા ગામમાં આદિવાસી અને હળપતિ સમાજના લોકોને ખ્રિસ્તી ધર્મ તરફ વાળવાના આરોપોને લઈને સ્થાનિક સ્તરે તણાવ વધી રહ્યો છે. ગ્રામજનોએ આ મામલે સંગઠિત થઈને વિરોધ પ્રદર્શન શરૂ કર્યો છે અને કડક કાયદાકીય કાર્યવાહીની માંગ ઉઠાવી છે.
ગ્રામજનોએ બેઠક કરીને આંદોલનની જાહેરાત કરી
18 મેના રોજ ગામના હિંદુ આદિવાસી સમાજના લોકો દ્વારા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વિવિધ હિંદુ સંગઠનોના કાર્યકરો પણ જોડાયા હતા. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે ગામમાં ચાલી રહેલી ધર્માંતરણની પ્રવૃત્તિઓ સામે સંગઠિત ચળવળ ચલાવવામાં આવશે અને આ મુદ્દે સતત દબાણ બનાવવામાં આવશે.
કલેક્ટર અને પોલીસને અગાઉ રજૂઆત
આ પહેલા 13 મેના રોજ ગ્રામજનોએ સુરત જિલ્લા કલેક્ટર અને પોલીસ તંત્રને લેખિત રજૂઆત કરી હતી. તેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ગામમાં કેટલાક લોકો લાલચ, અંધશ્રદ્ધા અને ચમત્કારના દાવાઓ દ્વારા આદિવાસી અને હળપતિ સમાજના લોકોને ખ્રિસ્તી ધર્મ તરફ વાળવાનો પ્રયાસ કરી રહ્યા છે.
રજૂઆતમાં દાવો કરવામાં આવ્યો હતો કે અત્યાર સુધીમાં 25થી વધુ પરિવારોનું ધર્માંતરણ થઈ ચૂક્યું છે.
સામાજિક માળખા અને જમીન કબજાના આરોપો
ગ્રામજનોએ એવો પણ આરોપ લગાવ્યો છે કે આ પ્રવૃત્તિઓના કારણે આદિવાસી સમાજની પરંપરાગત ધાર્મિક માન્યતાઓ, સામાજિક રીતરિવાજો અને એકતા પર અસર પડી રહી છે.
સાથે જ કેટલાક લોકોએ સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીન પર ગેરકાયદેસર કબજાના આરોપો પણ રજૂ કર્યા છે.
કડક કાર્યવાહીની માંગ
18 મેની બેઠકમાં હાજર આગેવાનો અને હિંદુ સંગઠનના પ્રતિનિધિઓએ આ મામલે કડક તપાસની માંગ કરી હતી. તેમણે કહ્યું કે ગુજરાત ધર્મ સ્વતંત્રતા કાયદા હેઠળ કેસ દાખલ કરીને જવાબદાર લોકો સામે કાર્યવાહી થવી જોઈએ.
સ્થાનિક આગેવાનોના જણાવ્યા મુજબ, એક વ્યક્તિ દ્વારા સમગ્ર વિસ્તારમાં ધર્માંતરણનું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે અને આસપાસના ગામોમાં પણ તેની અસર જોવા મળી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel