નડિયાદ, મધ્ય ગુજરાતની અગ્રણી અને ૭૮ વર્ષની ભવ્ય તેમજ જ્વલંત કારકિર્દી ધરાવતી ‘ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિ., નડિયાદ’એ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન સફળતાના તમામ રેકોર્ડ તોડી એક નવો ઈતિહાસ રચ્યો છે. બૃહદ ખેડા જિલ્લાના ખેડૂતોની પોતાની ગણાતી આ બેંકે પ્રથમ વખત રૂપિયા ૫૦૦૦ કરોડના કુલ બિઝનેસનો આંકડો વટાવી સહકારી ક્ષેત્રે પોતાની અગ્રેસરતા સાબિત કરી છે.
નફામાં ઐતિહાસિક ઉછાળા સાથે વર્ષ ૨૦૨૫-૨૬ બેંકના ઇતિહાસમાં સૌથી ફળદાયી રહ્યું છે. બેંકે રૂ. ૫૮ કરોડનો કાચો નફો તથા રૂ. ૩૩ કરોડનો ચોખ્ખો નફો નોંધાવી અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક હાંસલ કર્યો છે. આ ભવ્ય સફળતાના લાભ ગ્રાહકો અને સભાસદો સુધી પહોંચાડતા બેંક દ્વારા ઇતિહાસનું સૌથી વધુ ૨૦% ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું છે.
આંકડાકીય રીતે બેંકની મજબૂત સ્થિતિ દર્શાવતા મુખ્ય આંકડા મુજબ કુલ થાપણો રૂ. ૩૨૬૨ કરોડ, ધિરાણ બાકી રૂ. ૧૭૫૯ કરોડ તથા કામકાજનું ભંડોળ (એવરેજ) રૂ. ૩૩૯૮ કરોડ નોંધાયું છે. બેંકનું ગ્રોસ NPA ૧.૯૯% તથા નેટ NPA ૦% છે, જે બેંકની આર્થિક સ્થિતિ તથા ગ્રાહકોના અતૂટ વિશ્વાસનું પ્રતીક છે.
દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી તથા દેશના ગૃહ અને પ્રથમ સહકારિતા મંત્રી માનનીય અમિતભાઈ શાહના ડિજિટલ ભારતના વિઝનને અનુરૂપ, ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ અમદાવાદના ચેરમેન શ્રી અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ બેંકના કાર્યશીલ ચેરમેન તેજસકુમાર બી. પટેલના નેતૃત્વમાં બેંકે ડિજિટલ ક્રાંતિ તરફ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. બેંકે ઇતિહાસમાં પ્રથમ વખત રૂ. ૬૪૪ કરોડનું ડિજિટલ ધિરાણ પૂરું પાડ્યું છે.
ગ્રાહકોની સુવિધા માટે ડોર સ્ટેપ બેન્કિંગ તેમજ ૯૧૫ બેંક સાથી દ્વારા ઘરે બેઠા બેન્કિંગ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ઉપરાંત વોટ્સએપ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, ટેબ્લેટ બેન્કિંગ અને ઇન્ટરનેટ બેન્કિંગ જેવી હાઈટેક સુવિધાઓથી ૮.૫૦ લાખથી વધુ ગ્રાહકો લાભાન્વિત થઈ રહ્યા છે. પશુપાલકોને ગામસ્તરે જ નાણાં મળી રહે તે માટે ૧૦૦૦થી વધુ માઈક્રો ATM ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
પશુપાલકો માટેની સ્પષ્ટ ધિરાણ નીતિને કારણે હજારો પરિવારોને સીધો આર્થિક લાભ થયો છે. સાથે જ ‘પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના’ અંતર્ગત બેંકે શ્રેષ્ઠ કામગીરી કરી પર્યાવરણ જતનમાં પોતાનું યોગદાન આપ્યું છે.
ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાના બાલાસિનોર તથા વીરપુર તાલુકા સુધી ફેલાયેલી ૮૮ શાખાઓના વિશાળ નેટવર્ક સાથે બેંક કાર્યરત છે. ગ્રાહકોને ૨૪ કલાક નાણાં ઉપાડની સુવિધા માટે હાલ ૧૯ ATM કાર્યરત છે અને આગામી સમયમાં ૧૦૦ ATM કાર્યરત કરવાનો બેંકનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
બેંકના કાર્યશીલ ચેરમેન તેજસકુમાર બી. પટેલે આ ઐતિહાસિક સિદ્ધિ માટે ગ્રાહકો, સભાસદો અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે “સહકારથી સમૃદ્ધિ”ના સૂત્ર સાથે બેંક આગામી સમયમાં પણ નવી ઊંચાઈઓ સર કરશે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel