લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ તેમના વિરુદ્ધ રજૂ કરાયેલા અવિશ્વાસ પ્રસ્તાવને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી તેમને પદ પરથી હટાવવાના પ્રસ્તાવ અંગે ગૃહમાં ચર્ચા અને અંતિમ નિર્ણય લેવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ લોકસભાની કાર્યવાહીમાં હાજરી આપશે નહીં. સંસદીય નિયમો મુજબ આવી કોઈ ફરજિયાત જોગવાઈ ન હોવા છતાં તેમણે સ્વૈચ્છિક રીતે ગૃહથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવવામાં આવે છે.
અવિશ્વાસ પ્રસ્તાવ અંગે મહાસચિવને સૂચના
માહિતી મુજબ, ઓમ બિરલાએ લોકસભાના મહાસચિવને આ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી છે. કોંગ્રેસ સાંસદ કે.સી. સુરેશ, ગૌરવ ગોગોઈ અને મોહમ્મદ જાવેદે મહાસચિવ ઉત્પલ કુમાર સિંહને આ નોટિસ સોંપી હતી. આ પ્રસ્તાવ પર કુલ 118 સાંસદોના હસ્તાક્ષર હોવાનું જણાવવામાં આવ્યું છે. બંધારણની કલમ 94(c) હેઠળ રજૂ થયેલા આ પ્રસ્તાવમાં સ્પીકર પર ગૃહના સંચાલનમાં પક્ષપાતી વલણ અપનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
Lok Sabha Speaker Om Birla decided on moral grounds that he will not attend the proceedings of House till disposal of notice: Sources
— ANI (@ANI) February 10, 2026
રાહુલ ગાંધીની સહી ન હોવાને લઈને ચર્ચા
આ પ્રસ્તાવમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે કે વિપક્ષના નેતા રાહુલ ગાંધીની સહી આ નોટિસમાં નથી. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે સંસદીય પરંપરા અને લોકશાહી સંસ્થાની મર્યાદાને ધ્યાનમાં રાખીને વિપક્ષના નેતા તરીકે સ્પીકર વિરુદ્ધના પ્રસ્તાવ પર સહી કરવી યોગ્ય ગણાતી નથી. જોકે રાજકીય વર્તુળોમાં આ મુદ્દે ચર્ચા તેજ બની છે.
વિપક્ષના આરોપો અને રાજકીય ગરમાવો
વિપક્ષ પક્ષોનો આરોપ છે કે લોકસભાના અધ્યક્ષ ગૃહની કાર્યવાહી દરમિયાન પક્ષપાતી વલણ અપનાવી રહ્યા છે અને વિપક્ષના અવાજને દબાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે સ્પીકર પદની નિષ્પક્ષતા જાળવવી જરૂરી છે અને સરકારના દબાણ હેઠળ કાર્ય કરવું સંસદીય પરંપરાને નુકસાન પહોંચાડે છે. વિપક્ષે ખાસ કરીને રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ દરમિયાન થયેલી ઘટનાઓને લઈને આક્ષેપો કર્યા છે.
શું કહે છે સંસદીય નિયમો?
સંસદીય નિયમો અનુસાર, લોકસભાના સ્પીકરને હટાવવાના પ્રસ્તાવ માટે ઓછામાં ઓછા 50 સાંસદોના સમર્થન સાથે નોટિસ આપવામાં આવવી જરૂરી છે. નોટિસ આપ્યા બાદ 14 દિવસ પછી તેના પર ગૃહમાં ચર્ચા થઈ શકે છે. આ સમય દરમિયાન સ્પીકર પોતે ગૃહની કાર્યવાહીનું સંચાલન કરતા નથી અને અન્ય સભ્યને અધ્યક્ષપદ સોંપવામાં આવે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel