અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિર સાથે જોડાયેલા કથિત દાનચોરી અને ગેરવહીવટના વિવાદ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પ્રથમવાર સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. RSSના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબલેએ આ ઘટનાને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવી કહ્યું કે દાનપાત્રોમાંથી ચોરી કે ભક્તોના દાન સાથે ગેરવહીવટ થવાના આરોપોથી કરોડો રામભક્તોની આસ્થા અને શ્રદ્ધાને ઠેસ પહોંચી છે.
હોસબલેએ જણાવ્યું કે શ્રી રામ જન્મભૂમિ પર ઊભું થયેલું ભવ્ય મંદિર પેઢીઓના સંઘર્ષ, ત્યાગ, સમર્પણ અને બલિદાનનું પ્રતિક છે. આ મંદિર સમગ્ર હિંદુ સમાજ માટે શ્રદ્ધા, આસ્થા અને ભક્તિનું કેન્દ્ર છે. આવી સ્થિતિમાં દાન અને પ્રસાદ સાથે જોડાયેલી કોઈપણ પ્રકારની ગેરરીતિ માત્ર વહીવટી ખામી નથી, પરંતુ ભક્તોની લાગણીઓ સાથે જોડાયેલો ગંભીર વિષય છે.
“આ ઘટના અસાધારણ ગણવી જોઈએ”
દત્તાત્રેય હોસબલેએ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને અપીલ કરી કે આ ઘટનાને સામાન્ય ગેરરીતિ તરીકે નહીં, પરંતુ અસાધારણ અને અત્યંત નિંદનીય ઘટના તરીકે જોવી જોઈએ. તેમણે કહ્યું કે મંદિરના વહીવટ, કામગીરી, સુરક્ષા અને નાણાકીય વ્યવસ્થામાં જ્યાં પણ ખામીઓ હોય, ત્યાં તાત્કાલિક સુધારા થવા જોઈએ.
તેમણે સ્પષ્ટ કહ્યું કે નાણાકીય વહીવટ પારદર્શક, દોષરહિત અને જવાબદારીપૂર્ણ હોવો જોઈએ. રામમંદિર કરોડો હિંદુઓની શ્રદ્ધાનું કેન્દ્ર હોવાથી તેના સંચાલનમાં પારદર્શિતા અને પવિત્રતા જળવાય તે અત્યંત આવશ્યક છે.
#WATCH | RSS General Secretary Dattatreya Hosabale says, "…The unfortunate incident of theft from the donation boxes placed in the Shri Ram Lalla Temple in Ayodhya has wounded the sentiments and reverence of the entire society and Ram devotees, and we are all hurt by this… pic.twitter.com/hEOk3J2w4g
— ANI (@ANI) July 3, 2026
SIT તપાસ અને કડક કાર્યવાહી પર ભાર
અહેવાલો મુજબ, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વિનંતી બાદ ઉત્તર પ્રદેશ સરકારે આ મામલે વિશેષ તપાસ ટીમ એટલે કે SITની રચના કરી છે. SITની તપાસ અને ભલામણોના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. RSS સરકારે પણ કહ્યું છે કે તપાસમાં જે કોઈ દોષિત સાબિત થાય, તેને કડક સજા મળવી જોઈએ.
હોસબલેએ જણાવ્યું કે આ મામલે દોષિતોને બચાવવાની કે જવાબદારી ટાળવાની કોઈ જગ્યા હોવી જોઈએ નહીં. રામભક્તોના દાન સાથે જોડાયેલા દરેક પૈસાનો હિસાબ પારદર્શક રીતે રાખવો જરૂરી છે, જેથી ભક્તોની આસ્થા અખંડિત રહે.
“મંદિર સંચાલનમાં રહેલી ખામીઓ દૂર થવી જોઈએ”
RSSના સરકાર્યવાહે જણાવ્યું કે સમગ્ર હિંદુ સમાજની સ્વાભાવિક અપેક્ષા છે કે ટ્રસ્ટ મંદિરના સંચાલન અને કામગીરીમાં રહેલી તમામ ખામીઓને દૂર કરવા ગંભીર અને અસરકારક પગલાં લેશે. તેમણે કહ્યું કે રામમંદિર માત્ર ધાર્મિક સ્થળ નથી, પરંતુ રાષ્ટ્રની સાંસ્કૃતિક ચેતના અને હિંદુ સમાજની સામૂહિક આસ્થાનું પ્રતિક છે.
તેમણે ઉમેર્યું કે વર્તમાન મૂંઝવણ અને અનિશ્ચિતતાનો અંત આવવો જોઈએ. મંદિર વ્યવસ્થાપન અને SIT બંનેએ જરૂરી પહેલ કરી સત્યને સામે લાવવું જોઈએ, જેથી ભક્તોમાં વિશ્વાસ ફરી મજબૂત બને.
હિંદુ સમાજને ધૈર્ય અને સંયમ રાખવાની અપીલ
દત્તાત્રેય હોસબલેએ હિંદુ સમાજને આ મુશ્કેલ સમયમાં ધૈર્ય અને સંયમ જાળવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનો લાભ લઈને હિંદુ ધર્મ, હિંદુ સમાજ અને રામમંદિરને બદનામ કરવા માંગતા તત્વોને સફળ થવા દેવા જોઈએ નહીં.
હોસબલેએ કહ્યું કે હિંદુ વિરોધી અને રાષ્ટ્રવિરોધી શક્તિઓ આ ઘટનાનો ઉપયોગ સમાજમાં ભ્રમ, અવિશ્વાસ અને વિભાજન ફેલાવવા માટે કરી શકે છે. તેથી સમાજે ભાવનાત્મક પ્રતિક્રિયા કરતાં સંયમ, સતર્કતા અને કાનૂની પ્રક્રિયા પર વિશ્વાસ રાખવો જોઈએ.
રામભક્તોની આસ્થા જાળવવાની જવાબદારી ટ્રસ્ટની
RSSએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પારદર્શક નાણાકીય વ્યવસ્થા, સરળ અને દોષરહિત સંચાલન તથા ધાર્મિક શુદ્ધતા જાળવી હિંદુ સમાજના વિશ્વાસને જાળવી રાખશે. હોસબલેએ કહ્યું કે મંદિરનો દરેક વ્યવહાર ભક્તોની શ્રદ્ધાને મજબૂત કરનાર હોવો જોઈએ, શંકા ઊભી કરનાર નહીં.
આ ઘટનાને કારણે અયોધ્યાના રામમંદિરના વહીવટને લઈને દેશભરમાં ચર્ચા શરૂ થઈ છે. હવે સૌની નજર SIT તપાસ, ટ્રસ્ટના આગળના પગલાં અને દોષિતો સામે થનારી કાનૂની કાર્યવાહી પર છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel